શક્ય હો તો રાખ તુ વિશ્વાસ આ મૃગજળ ઉપર,
જોય લે જીવી રહ્યા છે કેટલા અટકળ ઉપર.
એ હજુ બેઠી નથી ને ત્યાંજ પાછી ભાગશે,
સુર્ય તારો ખુબ અત્યાચાર છે ઝાકળ ઉપર.
પ્રેમ પાતી મોકલું તો પણ હવે હું શી રીતે?
હું ભરોસો કેમ રાખું ભાગતા વાદળ ઉપર?
એ કદાચિત દ્વાર ખોલીને મને બોલાવશે,
ક્યારનો ખોડીને બેઠો છું નજર સાંકળ ઉપર.
માંડવાળી થઇ જવા દે આજ આખી વાતની,
જોઇ લેશું જે બધું બકિ રહે આગળ ઉપર.
હો ભલે ને વાત મોઢાની, જરી તો વિશ્વાસ કર,
શક્ય ક્યારે હોય છે લખવું બધું કાગળ ઉપર.